Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 10

ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વિશ્વકોશ (એન્સાઈક્લોપીડિયા)


 

વાયરિંગ (wiring) અને તેની સાધનસામગ્રી


January, 2005

૧૯.૨૭ : વાયરિંગ (wiring) અને તેની સાધનસામગ્રીથી વાયુશાસ્ત્ર (Aeronomy)

વાયરિંગ (wiring) અને તેની સાધનસામગ્રી

વીજળીથી ચાલતાં સાધનો કે ઉપકરણોને ઇલેક્ટ્રિક વાયરોથી કરવામાં આવતું વીજજોડાણ. વીજળીનો વપરાશ સલામત રીતે થઈ શકે તે માટે યોગ્ય
પ્રકારના વાયરિંગની જરૂર છે. વીજપ્રવાહ તાંબા કે ઍલ્યુમિનિયમના વાહકમાંથી પસાર કરવામાં આવે છે. તેનું વીજદબાણ ગૃહઉપયોગ માટે 230 વોલ્ટ
જેટલું હોય છે. તેથી વાહક પર રબર કે પીવીસી (PVC) જેવા અવાહક પદાર્થનું પડ ચડાવવામાં આવે છે. ગૃહઉપયોગી સાધનો જેવાં કે વીજળીગોળા,
પંખા વગેરેને સ્વિચ સાથે વાયર મારફત જોડવામાં આવે છે.

ઉપયોગ પ્રમાણે વાયરિંગના પ્રકારો : વિવિધ ક્ષેત્રોમાં વાયરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે વાયરિંગના ત્રણ પ્રકારો પાડી શકાય :

(1) ઘર માટેનું વાયરિંગ.

(2) જાહેર મકાનોનું વાયરિંગ; જેમ કે, છાત્રાલય, મોટી કચેરીઓ, બહુમાળી મકાનો, હૉસ્પિટલો, વગેરેનું.

(3) ઔદ્યોગિક વાયરિંગ.

1. ઘર માટેનું વાયરિંગ :

ઘર માટેના વાયરિંગના વિવિધ પ્રકારો છે. કયા પ્રકારના વાયરિંગનો ઉપયોગ કરવો તે નીચે દર્શાવેલ મુદ્દાઓ પર આધારિત છે :

(i) સલામતી : સૌપ્રથમ તો વાયરિંગ સલામતી બક્ષે એવું હોવું જોઈએ. વાયરિંગને લીધે વીજઆંચકો, આગ વગેરે પ્રકારના નુકસાનનો ભય રહેવો જોઈએ
નહિ.

(ii) ટકાઉપણું : વાયરિંગ ટકાઉ હોવું જોઈએ. ખાસ કરીને મકાનના આયુષ્ય જેટલું વાયરિંગનું આયુષ્ય હોવું જોઈએ.

(iii) પહોંચ : વાયરિંગ થઈ ગયા પછી ભવિષ્યમાં સુધારો, સમારકામ વગેરે માટે તે અનુકૂળ હોવું જોઈએ.

(iv) જાળવણી-ખર્ચ : વાયરિંગની જાળવણીનો ખર્ચ નહિવત્ અથવા બને તેટલો ઓછો હોવો જોઈએ.

(v) દેખાવ : વાયરિંગનો દેખાવ સારો હોવો જોઈએ. વાયરિંગને લીધે ઓરડાની સુંદરતામાં ઘટાડો થવો જોઈએ નહિ.

(vi) ખર્ચ : વાયરિંગનો પ્રકાર નક્કી કરતી વખતે ફાળવેલ અંદાજિત ખર્ચને ધ્યાનમાં રાખવો જોઈએ. 
(vii) સુધારો-વધારો કરવાની શક્યતા : વાયરિંગ ભવિષ્યમાં સુધારો-વધારો કરી શકાય તેવું હોવું જોઈએ.

વાયરિંગના પ્રકારો : તે નીચે મુજબ છે :

(1) ક્લીટ (cleat) વાયરિંગ

(2) બૅટન (batten) વાયરિંગ

(i) પીવીસી વાયરિંગ

(ii) ટી.આર.એસ./સી.ટી.એસ. વાયરિંગ

(iii) સીસાથી ઢંકાયેલ (lead sheath) વાયરિંગ

(3) કેસિંગ-કૅપિંગ (casing-caping) વાયરિંગ

(i) વૂડ કેસિંગ-કૅપિંગ

(ii) પીવીસી કેસિંગ-કૅપિંગ

(4) કૉન્ડ્યૂટ (conduit) વાયરિંગ

(i) બહાર રાખેલ (surface) કૉન્ડ્યૂટ વાયરિંગ

(ii) ગુપ્ત (concealed) કૉન્ડ્યૂટ વાયરિંગ

આમાં કૉન્ડ્યૂટ પીવીસીની કે ધાતુની બનેલી હોઈ શકે છે.

(1) ક્લીટ વાયરિંગ : આમાં ચિનાઈ માટીની ઘીસીવાળી ક્લીટનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લીટ બે ભાગમાં હોય છે : નીચેના ભાગમાં બે કે ત્રણ
ઘીસીઓ હોય છે. વચ્ચે સ્ક્રૂ (screw) માટેનું કાણું હોય છે.

આકૃતિ 1

ઘીસીમાં વાયર રાખીને ઢાંકણ મૂકી સ્ક્રૂની મદદથી દીવાલ પર બેસાડવામાં આવે છે. બે ક્લીટો વચ્ચે આશરે અડધો મીટરનું અંતર રાખવામાં આવે છે.
આમાં વલ્કેનાઇઝ્ડ ઇન્ડિયા રબર (Vulcanised India Rubber VIR) વાયર વપરાય છે. આ પ્રકારનું વાયરિંગ માત્ર કામચલાઉ ઉપયોગ માટે જ વપરાય
છે; કાયમી ઘરવપરાશ માટે વાપરી શકાય નહિ. વાયર ખુલ્લામાં રહે છે માટે ધૂળ, કચરો, ભેજ, ધુમાડો વગેરેની અસર થાય છે.

(2) બૅટન વાયરિંગ : આમાં લાકડાની લાંબી પટ્ટી સ્ક્રૂ વડે દીવાલ પર બેસાડવામાં આવે છે. આ પટ્ટીને બૅટન કહે છે. બૅટન પર પતરાની નાની પાતળી
ક્લિપો (clip) ખીલી વડે લગાડવામાં આવે છે. વાયરને આ પટ્ટી પર ક્લિપ વડે પકડી રાખવામાં આવે છે. બૅટન પર જે પ્રકારનો વાયર વપરાય છે તે
પ્રમાણે વાયરિંગના પ્રકારનું નામ આપવામાં આવે છે.


આકૃતિ 2

(i) પીવીસી વાયરિંગ : આ પ્રકારમાં પીવીસી વાયર વપરાય છે. સામાન્ય રીતે તાંબાના કે ઍલ્યુમિનિયમના વાહક પર પીવીસીનાં એક કે બે પડ ચડાવેલ
વાયર વપરાય છે. ઘરવપરાશના વાયરિંગમાં બૅટન ઉપર પીવીસી વાયરિંગ ઘણું પ્રચલિત છે.

(ii) ટી.આર.એસ./સી.ટી.એસ. વાયરિંગ : આ પ્રકારમાં ખાસ પ્રકારના વાયર જેવા કે ટફ રબર શીથ (tough rubber sheath TRS) અથવા કૅબ ટાયર
શીથ (cab tire sheath – CTS) વાયર વપરાય છે. તેને બૅટન પર ક્લિપ વડે ફિટ કરવામાં આવે છે. સામાન્ય રબરના બદલે ખાસ પ્રકારના રબરનું પડ
ચડાવેલ હોવાથી ભેજ વગેરેની અસર થતી નથી. પીવીસી વાયરિંગ કરતાં આ પ્રકારનું વાયરિંગ મોંઘું છે.

(iii) લેડ શીથ વાયરિંગ : આમાં તાંબાના તાર પર રબરનું પડ ચડાવીને તેના પર સીસાનું પડ ચડાવેલ વાયર વાપરવામાં આવે છે. આથી ભેજ, ધુમાડો
વગેરેની અસર થતી નથી. ઉપરાંત યાંત્રિક રક્ષણ મળે છે. શીથને અર્થ (earth) કરવું જરૂરી છે. આ પ્રકારનું વાયરિંગ વધારે ખર્ચાળ છે.

બૅટન ગાંઠ કે ભમરી વગરના સાગના લાકડાની બનેલી હોવી જોઈએ. તેની જાડાઈ 10 મિમી.થી ઓછી હોવી જોઈએ નહિ. બૅટન પર વાર્નિશ(varnish)નું
એક પડ (coat) લગાવવું જોઈએ. બૅટનની પહોળાઈ 12, 19 કે 25 મિમી. હોય છે. વધારે પહોળાઈ મેળવવા એક કરતાં વધારે બૅટન બાજુ બાજુમાં ફિટ
કરવામાં આવે છે.

ક્લિપ ટિન (tin) અથવા પિત્તળ અથવા પિત્તળના આવરણવાળા ટિનની કે ઍૅલ્યુમિનિયમની બનેલી હોય છે. તેની લંબાઈ 25, 32, 40, 50, 63 અથવા 80
મિમી. હોય છે.

(3) કેસિંગ–કૅપિંગ વાયરિંગ : કેસિંગ-કૅપિંગ વાયરિંગ આ પૂર્વે જણાવ્યું તેમ, બે પ્રકારનાં હોય છે : (i) વૂડ કેસિંગ-કૅપિંગ અને (ii) પીવીસી કેસિંગ-કૅપિંગ.

(i) વૂડ કેસિંગ–કૅપિંગ વાયરિંગ : આમાં સાગના લાકડાની બે કે ત્રણ ખાંચાવાળી લાંબી પટ્ટી હોય છે. આ પટ્ટીને કેસિંગ કહે છે. કેસિંગને દીવાલ પર સ્ક્રૂની
મદદથી બેસાડવામાં આવે છે. ખાંચામાં વી. આઈ. આર. વાયર રાખવામાં આવે છે. કેસિંગને લાકડાની પાતળી પટ્ટી વડે ઢાંકવામાં આવે છે. આ પટ્ટીને
કૅપિંગ કહે છે. આમાં ભેજ, ધૂળ, યાંત્રિક નુકસાન વગેરે સામે રક્ષણ મળે છે; પરંતુ આગ સામે રક્ષણ મળતું નથી.

આકૃતિ 3

કેસિંગ ગાંઠ કે ભમરા વગરના સાગના લાકડામાંથી બનાવેલ હોવી જોઈએ. બધી બાજુ સપાટ કરેલી હોવી જોઈએ અને અંદર તથા બહાર બધી બાજુ
વાર્નિશ કરેલ હોવી જોઈએ.


કેસિંગને દીવાલ કે છત પર ચપટા માથાવાળા સ્ક્રૂ વડે બેસાડવામાં આવે છે. આ માટે દીવાલમાં કાણું પાડી રોલ-પ્લગ (roll plug) નાખવામાં આવે છે.
બહારના વાતાવરણમાં કેસિંગનો ઉપયોગ ન કરવો જોઈએ. વળી કેસિંગને દીવાલ અથવા છતની અંદર ન રાખવી જોઈએ. કેસિંગ વરાળ કે પાણીની
પાઇપની નીચેથી પસાર થાય તેમ ન લેવી જોઈએ.

(ii) પીવીસી કેસિંગ–કૅપિંગ વાયરિંગ : હાલમાં ઘરવપરાશના વાયરિંગ માટે પીવીસી કેસિંગ-કૅપિંગ વાયરિંગનો ઉપયોગ વધતો જાય છે. આને પીવીસી
ચૅનલ (channel) વાયરિંગ પણ કહે છે. પીવીસી ચૅનલ બે ભાગમાં હોય છે : એક નીચેની (base) અને બીજી ઉપરની (top). બેઇઝનો આડછેદ અંગ્રેજી
અક્ષર C આકારનો હોય છે. તેમાં અમુક અંતરે તેને બેસાડવા માટે કાણાં પાડવામાં આવેલાં હોય છે. આ કાણામાંથી સ્ક્રૂ વડે ચૅનલને દીવાલ કે છત પર
બેસાડવામાં આવે છે. ચૅનલની ઉપર સ્નૅપ ઑન કવર (snap on cover) છે, જે બેઇઝ પર દબાવીને ફિટ કરવામાં આવે છે. આ માટે કોઈ સ્ક્રૂ કે ખીલીની
જરૂર પડતી નથી.

આ પ્રકારનું વાયરિંગ વજનમાં હળવું, તેમજ સહેલાઈથી બેસાડી શકાય તેવું હોય છે. અહીં કૉન્ડ્યૂટ વાયરિંગની જેમ વાયર ખેંચવા પડતા નથી તથા ઓછો
ખર્ચ અને ખામી સહેલાઈથી શોધી શકાય છે કારણ કે ચૅનલ સહેલાઈથી ખોલી શકાય છે. વળી વાયરિંગનો દેખાવ પણ સારો હોય છે.

(4) કૉન્ડ્યૂટ વાયરિંગ : આમાં લોખંડની કે પીવીસીની લાંબી, પાતળી, પોલી ભૂંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. કૉન્ડ્યૂટને પતરાના સૅડલ(saddle)ની
મદદથી દીવાલ પર બેસાડવામાં આવે છે. અમુક અંતરે પરીક્ષણ-પેટી રાખવામાં આવે છે. કૉન્ડ્યૂટમાં પીવીસી કે વીઆઈઆર વાયર રાખવામાં આવે છે. આ
પ્રકારના વાયરિંગમાં ભેજ, ધૂળ, યાંત્રિક નુકસાન વગેરેની સામે સારું રક્ષણ મળે છે. જોકે પીવીસી કૉન્ડ્યૂટમાં આગ સામે રક્ષણ મળતું નથી.

આકૃતિ 4

કૉન્ડ્યૂટ વાયરિંગ બે રીતે કરી શકાય છે : (i) બહાર રખાતા (surface) કૉન્ડ્યૂટ વાયરિંગમાં કૉન્ડ્યૂટને દીવાલ પર અથવા છત પર સૅડલની મદદથી
બેસાડવામાં આવે છે. (ii) જ્યારે ગુપ્ત (concealed) કૉન્ડ્યૂટ વાયરિંગમાં કૉન્ડ્યૂટને દીવાલની કે છતની અંદર રાખવામાં આવે છે. આથી કૉન્ડ્યૂટ દેખાતી
નથી અને તેથી વાયરિંગને લીધે ઓરડાનો દેખાવ ખરાબ થતો નથી.

આકૃતિ 5

ગુપ્ત કૉન્ડ્યૂટ વાયરિંગમાં જે જગ્યાઓએ સ્વિચ કે લૅમ્પ રાખવાનાં હોય તેને પૂરતો વિચાર કરીને પહેલેથી નક્કી કરી રાખવું જરૂરી છે; કારણ કે તેમાં
પછીથી ફેરફાર કરવાનું મુશ્કેલ બને છે.

કૉન્ડ્યૂટના પ્રકારો : કૉન્ડ્યૂટ વાયરિંગમાં નીચે દર્શાવેલ કૉન્ડ્યૂટ વપરાય છે :



1. દૃઢ પોલાદી (rigid steel) કૉન્ડ્યૂટ

2. દૃઢ અધાત્વિક (rigid non-metallic) કૉન્ડ્યૂટ

3. નમ્ય પોલાદી (flexible steel) કૉન્ડ્યૂટ

4. નમ્ય અધાત્વિક કૉન્ડ્યૂટ

1. દૃઢ પોલાદી કૉન્ડ્યૂટ : આ કૉન્ડ્યૂટ સ્ટીલની બનેલી હોય છે. તે બે પ્રકારની હોય છે : (i) ભારે ગેજની અને (ii) હળવા ગેજની.

ભારે ગેજની કૉન્ડ્યૂટ ‘સોલિડ ડ્રોન’ અથવા ‘સીમ વેલ્ડેડ’ પ્રકારની હોય છે. આવી કૉન્ડ્યૂટ મોંઘી હોય છે. તેથી માત્ર ગૅસપ્રૂફ કે વિસ્ફોટન પ્રૂફ વાયરિંગ
માટે ખાસ વપરાય છે. જ્યારે સીમ વેલ્ડેડ પ્રકારની ભારે ગેજ કૉન્ડ્યૂટનો ઉપયોગ ઘર માટેના, ઑફિસના કે ઔદ્યોગિક વાયરિંગ માટે થાય છે.

હળવા ગેજની કૉન્ડ્યૂટ પાતળા પતરાને ગોળ વાળીને બનાવવામાં આવે છે. ઊભો સાંધો સંપૂર્ણ બંધ હોતો નથી, તેથી ‘વેધરપ્રૂફ’ સંસ્થાપન માટે ઉપયોગી
નથી. આ કૉન્ડ્યૂટનું ‘અર્થિંગ’ સાતત્યવાહક તરીકે ન કરી શકાય. આ માટે વધારાનું અર્થિંગ આપવું પડે.

2. દૃઢ અધાત્વિક કૉન્ડ્યૂટ : આ પ્રકારની કૉન્ડ્યૂટ રેસા, ઍસ્બેસ્ટૉસ, ‘હાઈ ડેન્સિટી પૉલિથિલીન’ (HDP) અથવા પીવીસીની બનેલી હોય છે. પીવીસી
કૉન્ડ્યૂટ વધારે વપરાય છે; કારણ કે તે ભેજ સામે કે રાસાયણિક વાતાવરણ સામે રક્ષણ આપે છે. વળી તેનું વજન ઓછું હોય અને તે સસ્તી પણ હોય છે.
તેથી સહેલાઈથી સ્થાપિત કરી શકાય છે. આ કૉન્ડ્યૂટને દીવાલની કે છતની અંદર રાખી શકાય છે.

3. નમ્ય પોલાદી કે અધાત્વિક કૉન્ડ્યૂટ (flexible steel or non-metallic conduit) : જ્યાં મશીનરીની ધ્રુજારી આવતી હોય અથવા કૉન્ડ્યૂટ લાઇનમાં
અનેક અથવા અટપટા વળાંક આવતા હોય ત્યાં વાયરને રક્ષણ આપવા માટે આ પ્રકારના કૉન્ડ્યૂટ પાઇપો વાયરિંગ માટે વપરાય છે.

2. જાહેર મકાનોનું વાયરિંગ :

આમાં શાળા-મહાશાળાઓ, દવાખાનાં, હોટેલો કે મોટાં સરકારી મકાનો વગેરેનો સમાવેશ થાય છે. આ માટે બહારના પીવીસી અથવા ગુપ્ત પીવીસી
કૉન્ડ્યૂટ વાયરિંગનો ઉપયોગ થાય છે. ખાસ કરીને ગુપ્ત પીવીસી કૉન્ડ્યૂટ વાયરિંગ વધારે વપરાય છે. મોટાં મકાનોમાં 415 વોલ્ટ ત્રણ પ્રાવસ્થા (phase)
પ્રણાલીનો ઉપયોગ થાય છે અને ભાર (load) ત્રણેય ફેઇઝમાં સરખા પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો ભાર 100 KVAથી વધારે હોય તો 11 KVનું
સબસ્ટેશન રાખવું જરૂરી થાય છે.

આ વાયરિંગમાં લઘુ (miniature) પ્રકારના તરણ બોર્ડ(distribution board)નો ઉપયોગ કરવામાં આવે છે. બધાં સ્વિચબોર્ડ કે સબડિસ્ટ્રિબ્યુશન બોર્ડ
સામાન્ય (common) જગ્યામાં રાખવામાં આવે છે. જેથી જાળવણી અને સમારકામ સહેલાઈથી થઈ શકે. સ્વિચબોર્ડની જગ્યા તાળું મારી શકાય એવી હોવી
જોઈએ, જેથી કોઈ તેની સાથે ચેડાં ન કરી શકે.

એનઈસી (NEC) 1983ના નિયમ પ્રમાણેની આ પ્રકારના વાયરિંગ માટેની ભલામણો નીચે મુજબ છે :

1. ડિસ્ટ્રિબ્યુશન-પ્રણાલી : (i) પ્રણાલીના કૉમ્પોનન્ટની ક્ષમતાની તથા સંખ્યાની પસંદગી ભવિષ્યના વિસ્તરણ તથા ખર્ચને ધ્યાનમાં રાખીને નક્કી કરવી
જોઈએ.

(ii) બહુમાળી મકાનમાં બે રાઇઝિંગ મેઇન્સનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે દરેક માળ પર ‘ચેઇન્જ ઓવર સ્વિચ’ રાખવી જોઈએ, જેથી બેમાંથી કોઈ
પણ એક મેઇન્સનો ઉપયોગ કરી શકાય.

(iii) લિફ્ટ, ફાયર એલાર્મ, ફાયર-પમ્પ જેવાં અગત્યનાં સાધનો માટે અલગ ફીડર લેવા જોઈએ.

(iv) આવાસગૃહ(residential building)માં ફ્લૅટનું સબમેઇન વાયરિંગ દરેક ફ્લૅટ માટે સ્વતંત્ર હોવું જોઈએ.

(v) રાઇઝિંગ મેઇન્સના ઊર્ધ્વ રનની સાથે બે અર્થિંગ લીડ આપવા જોઈએ.

2. ડિસ્ટ્રિબ્યુશન ઉપકરણનું સ્થાન : ડિસ્ટ્રિબ્યુશન ઉપકરણની જગ્યા નક્કી કરતી વખતે નીચે દર્શાવેલ મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ :

(i) ઉપકરણ સહેલાઈથી ખસેડી શકાય તે પ્રમાણે જગ્યા હોવી જોઈએ. (ii) વ્યવસ્થિત હવા-ઉજાસ હોવાં જોઈએ. (iii) વરસાદનું પાણી ભરાઈ ન જાય તેમ
હોવું જોઈએ. (iv) જો સબસ્ટેશન માટે અલગ મકાન શક્ય ન હોય તો બહુમાળી મકાનના ગ્રાઉન્ડ ફ્લોરમાં તેનો સમાવેશ કરવો જોઈએ. જો ઘણાં મકાનોનો
સમૂહ હોય તો લોડ-સેન્ટરની નજીક સબસ્ટેશન આવે તે જોવું જોઈએ.

3. વાયરિંગ : (i) વાયરિંગ માટે તાંબા કે ઍલ્યુમિનિયમ વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ફાયર એલાર્મ, કન્ટ્રોલ-પરિપથ વગેરે માટે તાંબાના વાયર
વાપરવા જરૂરી છે.

(ii) વાયરિંગની લંબાઈ વધારે હોય તો વોલ્ટતાપાત (voltage drop) પ્રમાણસર થાય તે પ્રમાણે વાયરની સાઇઝ પસંદ કરવી જોઈએ.

(iii) ભાર(load)ના પ્રકાર પ્રમાણે કન્ટ્રોલ-સ્વિચની પસંદગી કરવી જોઈએ; જેમ કે, એરકન્ડિશનર, હીટર, કૂલર વગેરે.

(iv) બધાં સ્વિચ-ગિયર (switch gear) ધાત્વિક આવરણવાળાં હોવાં જોઈએ.

(v) પાણીની લાઇન, ટેલિફોન-લાઇન, આંતરિક સંદેશવ્યવહાર(intercom)ની લાઇન કેબલ ડક્ટ(duct)માં ન રાખવાં જોઈએ.

(vi) પાણીનો પમ્પ, લિફ્ટ, દાદર, પરસાળ વગેરે માટેની લાઇનની અલગ સર્કિટ રાખવી જોઈએ.

(vii) ફૉલ્સ સિલિંગ(false ceiling)નું વાયરિંગ ધાત્વિક કૉન્ડ્યૂટમાં હોવું જોઈએ.

(viii) દાદર તથા પરસાળના વાયરિંગ માટે ઇમરજન્સી લાઇટ-વ્યવસ્થા હોવી જોઈએ.

4. ટેલિફોન વાયરિંગ પ્રણાલી : (i) ટેલિફોન ઑથોરિટી સાથે મસલત કર્યા બાદ ટેલિફોન લાઇન માટેના કૉન્ડ્યૂટ રનની ડિઝાઇન કરવી જોઈએ.

(ii) ઇન્ટરકોમ પ્રણાલીનો લે-આઉટ જો અગાઉ જાણી શકાય તેમ હોય તો તેની વ્યવસ્થા કરવી જોઈએ.

5. અગ્નિ-સુરક્ષા (fire safety) : અગ્નિશોધ (fire detection) અને ચેતવણી-પ્રણાલી, અગ્નિશમન-વ્યવસ્થા, ફાયરલિફ્ટ, પ્રાથમિક ઉપચાર વગેરે ધ્યાનમાં
લેવાં જોઈએ.

3. ઔદ્યોગિક વાયરિંગ :

ઔદ્યોગિક વાયરિંગમાં નાના તથા મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે 440 V, ત્રણ પ્રાવસ્થા પ્રણાલી(3 f)નો ઉપયોગ કરવામાં આવે છે. મોટા ઉદ્યોગો માટે 11
KVનો સપ્લાય આપવામાં આવે છે. અંદરની મોટરો વગેરે 440 વોલ્ટ પર જ ચાલે છે.

ઔદ્યોગિક વાયરિંગની વિશિષ્ટતા :

(i) પાવર-વાયરિંગ માટેનાં બધાં ઉપકરણો લોખંડના આવરણવાળાં હોવાં જોઈએ. તેનું વાયરિંગ ધાત્વિક કૉન્ડ્યૂટમાં અથવા આર્મર્ડ કેબલ(armoured
cable)થી કરેલું હોવું જોઈએ.

(ii) આયર્ન ક્લેડ સ્વિચ, ડિસ્ટ્રિબ્યુશન બૉર્ડ વગેરે બેસાડવા માટે લાકડાની પૅનલનો ઉપયોગ કરવો જોઈએ નહિ.

(iii) વાયરિંગમાં લૂપિંગ (looping) ન કરવું જોઈએ તથા વાયરમાં વચ્ચે સાંધા ન હોવા જોઈએ.

(iv) મોટર-સ્ટાર્ટર સ્વિચથી મોટર સુધીની ફ્લેક્સિબલ કેબલની લંબાઈ 1.25 મીટરથી વધારે ન હોવી જોઈએ.

(v) દરેક મોટરની નજીક તેનું સ્વિચ ફ્યૂઝ એકમ રાખવું જોઈએ.

(vi) પીવીસી તથા વીઆઈઆર વાયરની કૉન્ડ્યૂટને ખાડા(trench)માં મૂકવાને બદલે સપાટી (surface) ઉપર મૂકવી જોઈએ.

(vii) દરેક મોટરના વાયર માટેની અલગ કૉન્ડ્યૂટ ઇચ્છનીય છે.
(viii) પાવર-વાયરિંગ માટે 1.25 મિમી.2ના તાંબા અથવા 1.5 મિમી. 2ના ઍલ્યુમિનિયમ વાયરનો ઉપયોગ કરવો જોઈએ.

(ix) કેબલ/વાયરનું કરંટ રેટિંગ ફુલ લોડ (વિદ્યુતભાર) કરંટના આધારે નક્કી કરવામાં આવે છે; જ્યારે ફ્યૂઝનું રેટિંગ સ્ટાર્ટિગ કરંટના આધારે નક્કી
કરવામાં આવે છે; પરંતુ ફ્યૂઝનું રેટિંગ કેબલના કરંટ રેટિંગના બમણાથી વધારે હોવું જોઈએ નહિ.

(x) પાવર-વાયરિંગ માટે વપરાયેલ મેટલ કૉન્ડ્યૂટમાં વિદ્યુત-સાતત્ય (electric continuity) હોવું જોઈએ અને તેને મોટરની ફ્રેમ સાથે વીજળિક રીતે
જોડેલી હોવી જોઈએ. ફ્રેમને બે અલગ જગ્યાએથી ‘અર્થ’ કરેલ હોવી જોઈએ.

(xi) અર્થિંગ વાયર અર્થિંગની ભલામણ અનુસારનો હોવો જોઈએ.

(xii) મુખ્ય સ્વિચ(main switch)ની ક્ષમતા વધારેમાં વધારે સ્ટાર્ટિગ કરંટ તથા બીજી મોટરોના ફુલ લોડ કરંટના સરવાળાના આધારે કરવામાં આવે છે.

વાયરિંગમાં અર્થિંગ (earthing in wiring) : વિદ્યુત-સાધનોમાં વિસંવાહિત કરેલ વિદ્યુત-વાહકોનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે વિદ્યુત-
સાધનોનું ક્લેવર (body) ધાતુનું બનેલું હોય છે. ધાતુના કન્વરનું જમીન સાથે ઘણા ઓછા પ્રતિરોધવાળા તાર મારફત જોડાણ કરવામાં આવે છે. આને
અર્થિંગ કહે છે; દા. ત., વિદ્યુત ઇસ્ત્રીને જોડવા માટે ત્રણ વાયર હોય છે. લાલ અને કાળો વાયર ઇસ્ત્રીની કૉઇલ (coil) સાથે જોડાય છે અને તેના ત્રણ છેડા
ત્રણ પિન ટોપ(top)ની નાની પિનો સાથે જોડાય છે. ત્રીજો લીલો વાયર ઇસ્ત્રીની બૉડી સાથે જોડવામાં આવે છે. આ વાયર મોટી પિન સાથે જોડવામાં આવે
છે. સૉકેટ(socket)માં આ મોટી પિનમાંથી વાયરને અર્થ (જમીન) સાથે જોડેલ હોય છે.

અર્થિંગનું મહત્ત્વ આ રીતે સમજાશે : ધારો કે વિદ્યુત-સાધનનું અર્થિંગ કરેલ નથી. જ્યાં સુધી સાધનના તારનું વિસંવાહન બરાબર છે ત્યાં સુધી વિદ્યુત-
સાધનની બૉડીને અડકવાથી કોઈ મુશ્કેલી પડશે નહિ, પરંતુ જો વાહક ઉપરના વિસંવાહિત પડમાં નુકસાન થાય તો અંદરનો જીવંત તાર સાધનની બૉડીને
અડકશે. આથી સાધનની બૉડીનું વીજદબાણ સપ્લાય-વૉલ્ટેજ જેટલું થશે. આ વખતે જો સાધનની બૉડીને અડકવામાં આવે તો મોટો આંચકો લાગશે. હવે
જો વિદ્યુત-સાધનની બૉડીનું અર્થિંગ કરવામાં આવેલ હોય તો જ્યારે પણ વિસંવાહનમાંથી વીજળીનું લિકેજ થાય ત્યારે અર્થિંગમાં આ પ્રવાહ વહે છે અને
જો કોઈ આ સાધનને અડકે તોપણ તેને આંચકો લાગતો નથી. અર્થિંગમાં વહેતો પ્રવાહ ઘણો હોય તો ફ્યૂઝ પીગળે છે.

સારણી 1

ક્રમ ઓજાર ઉપયોગ

1 2 3

1. પકડ વાયર કાપવા તથા વાયરનો વળ ચઢાવવા.

2. નોઝ પ્લાયર(nose plier) ચપટી નોઝ પ્લાયરનો ઉપયોગ ચપટા

દાગીનાઓ પકડવા તથા ગોળ નોઝ પ્લાયરનો

ઉપયોગ સાંકડી જગ્યામાંથી વાયર ખેંચવા,

તથા વાયરના હૂક (hook) બનાવવા.

3. કટર (cutter) સાંકડી જગ્યામાં તાર કાપવા

4. વાયર-સ્ટ્રીપર (stripper) વાહકનો તાર કાપ્યા વગર વાહક પરના વિસંવાહનને દૂર કરવા.

5. સ્ક્રૂ-ડ્રાઇવર (screw-driver) સ્ક્રૂ પીલવા. 


6. હથોડી ખીલી ઠોકવા.

7. મેલેટ (mallet) ધાતુનાં પાતળાં પતરાં સીધાં કરવા તથા

હળવા ફટકા મારવા.

8. કરવત લાકડાની બૅટન, બ્લૉક વગેરેને કાપવા

9. હૅક-સૉ (hack-saw) કૉન્ડ્યૂટ પાઇપ તથા ગૅલ્વેનાઇઝ્ડ પાઇપ કાપવા.

10. ચપ્પુ વાયર છોલવા તથા તાર સાફ કરવા.

11. જંબૂર લાકડામાંથી ખીલી ખેંચવા.

12. કાટખૂણો સપાટી એકબીજીને લંબ છે કે કેમ તે તપાસવા.

13. પાનું નટ-બોલ્ટ ખોલવા કે ફિટ કરવા.

14. કાતર ઇન્સ્યુલેટિંગ ટેપ, કાગળ વગેરે કાપવા.

15. માપપટ્ટી (measuring tape) લંબાઈ માપવા.

16. ટેસ્ટ-લૅમ્પ (test lamp) પરિપથના પરીક્ષણ માટે.

17. હૅન્ડ-ડ્રિલ (hand drill) લાકડાના બ્લૉકમાં, બૅટનમાં તથા કેસિંગમાં કાણાં પાડવા.

18. ઇલેક્ટ્રિક ડ્રિલ ભીંતમાં, લાકડામાં તથા મેટલમાં કાણાં પાડવા.

19. વાયર-ગૅજ (gauge) તાંબાના તારનો ગેજ માપવા.

20. કાનસ રફ (rough) કાનસનો ઉપયોગ લાકડાની ખાંચને લીસી

બનાવવા તથા લીસી (smooth) કાનસનો ઉપયોગ ફિનિશ

(finish) કામ કરવા.

21. પાઇપ-વાઇસ કૉન્ડ્યૂટને કાપતી વખતે મજબૂત પકડવા.

22. બેન્ચ-વાઇસ બૅટન, કેસિંગ, બ્લૉક વગેરેમાં કાણાં પાડતી

(bench-vice) વખતે પકડવા.

23. રોલ-પંચ (roll punch) ભીંતમાં તથા છતમાં કાણાં પાડવા.

24. ઘોંચો લાકડામાં સ્ક્રૂ બેસાડતાં પહેલાં નાનું કાણું પાડવા.



25. છીણી દીવાલમાં જરી પાડવા, જાડા તાર કાપવા

26. ફરસી લાકડામાં ખાંચા પાડવા

27. નિયૉન-ટેસ્ટર વાયરમાં વીજપ્રવાહ આવે છે કે કેમ તે

ચકાસવા, ફેઇઝ કે ન્યૂટ્રલ ચેક કરવા.

28. ડાઇસેટ (die set) મેટલ કૉન્ડ્યૂટના છેડા પર આંટા પાડવા.

29. ઓળંબો દીવાલ પર બૅટન, કેસિંગ કે કૉન્ડ્યૂટ ઊર્ધ્વ

દિશામાં બરાબર છે કે કેમ તે ચકાસવા.

અર્થિંગ મુખ્યત્વે બે રીતે કરવામાં આવે છે :

(i) પ્લેટ-અર્થિંગ

(ii) પાઇપ-અર્થિંગ

(i) પ્લેટ પ્રકારના અર્થિંગમાં તાંબાની અથવા ગૅલ્વેનાઇઝ્ડ લોખંડની 600 મિમી. x 600 મિમી.ના માપની પ્લેટ જમીનમાં 3 મીટર ઊંડે ઊભી રાખવામાં
આવે છે. જો તાંબાની પ્લેટ હોય તો તેની જાડાઈ 3.18 મિમી. અને લોખંડની પ્લેટ હોય તો તેની જાડાઈ 6.35 મિમી. રાખવામાં આવે છે. પ્લેટની આજુબાજુ
150 મિમી.ની જાડાઈ સુધી મીઠા અને કોલસાના એકાંતરા સ્તર રાખવામાં આવે છે. પ્લેટની સાથે અર્થવાયરને નટ-બોલ્ટની મદદથી જોડવામાં આવે છે.
ખાડામાં પાણી નાખી શકાય તેવી રીતે પાઇપ ગોઠવવામાં આવે છે. ભેજને લીધે અર્થપ્રતિરોધ ઓછો રહે છે.

(ii) પાઇપ પ્રકારના અર્થિંગમાં 38.1 મિમી. વ્યાસવાળો ગૅલ્વેનાઇઝ્ડ લોખંડનો પાઇપ જમીનમાં 4.75 મીટર ઊંડે ઊભો રાખવામાં આવે છે. પાઇપની
લંબાઈ 2 મીટર રાખવામાં આવે છે. પાઇપની ફરતે મીઠા અને કોલસાના એકાંતરા થર રાખવામાં આવે છે. પાઇપ પર 150 મિમી.ના અંતરે 12 મિમી.
વ્યાસનાં કાણાં પાડવામાં આવે છે. પાઇપમાં પાણી રેડી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. અર્થ-વાયરને પાઇપ સાથે જોડવામાં આવે છે.

વાયરિંગ માટેની સાધનસામગ્રી : વાયરિંગ માટેની સાધનસામગ્રીને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય : (1) વાયરિંગ કામ કરવા માટેનાં ઓજારો, (2) વાયરિંગ
માટે જરૂરી માલસામાન, (3) ઉપસાધનો (accessories).

(1) વાયરિંગ કામ માટેનાં ઓજારો : વાયરિંગ કામ કરવા માટેનાં મુખ્ય ઓજારોનાં નામ તથા ઉપયોગ સારણી 1માં દર્શાવેલ છે.

(2) વાયરિંગ માટે જરૂરી માલસામાન : વાયરિંગ માટે જરૂરી માલસામાન કયા પ્રકારનું વાયરિંગ કરવાનું છે તે પર આધાર રાખે છે. બૅટન વાયરિંગમાં
બૅટન, ક્લિપ, લાકડાના ગોળ, ચોરસ કે લંબચોરસ બૉક્સ; વૂડન-કેસિંગ કેપિંગ વાયરિંગમાં કેસિંગ, કૅપિંગ; પીવીસી કેસિંગ કૅપિંગ વાયરિંગમાં પીવીસી બેઝ
અને ટૉપ; મેટલિક કૉન્ડ્યૂટ વાયરિંગમાં મેટલ કૉન્ડ્યૂટ, ઇન્સ્પેક્શન બૉક્સ, કપ્લર, ગૅલ્વેનાઇઝ્ડ સૅડલ; નૉન-મેટલિક કૉન્ડ્યૂટ વાયરિંગમાં પીવીસી કૉન્ડ્યૂટ,
કપ્લર એલ્બો, બૅન્ડ, ટી, વિવિધ પ્રકારનાં બૉક્સ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક પ્રકારના વાયરિંગમાં વાયર, ઇન્સ્યુલૅટિંગ ટેપ, સ્ક્રૂ વગેરે જરૂરી
હોય છે.

(3) ઉપસાધનો (accessories) : વાયરિંગમાં વિવિધ પ્રકારનાં ઉપસાધનોનો ઉપયોગ થાય છે. તેનું વર્ગીકરણ ઉપયોગ પ્રમાણે કરવામાં આવે છે.

(i) કન્ટ્રૉલિંગ પ્રકારનાં ઉપસાધનોમાં વિવિધ પ્રકારની સ્વિચોનો સમાવેશ થાય છે; જેમ કે, ‘સિંગલવે’, ‘ટુવે’ ઇન્ટરમીડિયેટ (intermediate) પુશ બટન
(push-button), બે પોલ અને ત્રણ પોલ પ્રકારની સ્વિચો.

(ii) હોલ્ડિંગ (holding) ઉપસાધનમાં લૅમ્પ-હોલ્ડર, ટ્યૂબને પકડવા માટેનું હોલ્ડર તથા સ્ટાર્ટર (starter) હોલ્ડરનો સમાવેશ થાય છે.
(iii) સલામતી માટેનાં ઉપસાધનોમાં ફ્યૂઝ તથા મિનિયેચર સર્કિટ-બ્રેકરનો સમાવેશ થાય છે.

(iv) આઉટલેટ (outlet) ઉપસાધનનો ઉપયોગ ઘરગથ્થું સાધનોને સપ્લાય આપવા માટે થાય છે. આમાં ‘ટુ પિન’ કે ‘થ્રી પિન સૉકેટ’ (socket) અને ટેપનો
સમાવેશ થાય છે.

(v) ચાલુ/સામાન્ય (general) ઉપસાધનોમાં સીલિંગ-રોઝ, એડૅપ્ટર (adaptor), કનેક્ટર, ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ વગેરેનો સમાવેશ થાય છે.

(vi) માઉન્ટિંગ (mounting) ઉપસાધનોમાં બ્લૉક તથા બોર્ડનો સમાવેશ થાય છે.

બધાં ઉપસાધનો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન (આઇ. એસ. એસ.) પ્રમાણે હોવાં હિતાવહ છે.

રમેશ પ. અજવાળિયા

Electrical engineering રમેશ પ. અજવાળિયા વાયરિંગ (wiring) અને તેની સાધનસામગ્રી વિદ્યુત ઇજનેરી

← વાયનાડ

વાયવરણો →


 

કોપીરાઈટ | ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

You might also like